ભારતમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના અધિકાર માટે 2005 માં 'કૉમન કૉઝ' નામના NGO દ્વારા સુપ્રિમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલ હતી. જેના પરિણામે થોડા સમય પહેલા જ સુપ્રીમકોર્ટે 'લિવિંગવિલ' સાથે ઇચ્છામૃત્યુને કેટલીક શરતો સાથે મંજૂરી આપેલ છે. આ સાથે જ ઇચ્છામૃત્યુનો અધિકાર આપનાર ભારત 22 મો દેશ બની ગયો છે.
ઇચ્છામૃત્ય એટલે શું?
ગંભીર તેમજ કોઈ ઈલાજ ન થઈ શકે તેવા બીમાર વ્યક્તિની ડૉક્ટરની સલાહથી અને ડૉક્ટરની સહાયતાથી જ તેના જીવનનો અંત લાવવો એટલે ઇચ્છામૃત્યુ.
ઇચ્છામૃત્યુની 5 રીત
- વૉલન્ટરી એક્ટિવ યુથેનેશિયા - દર્દીની મંજૂરી બાદ જાણી જોઈને એવી દવાઓ આપવી જેનાથી તેનું મોત થઈ જાય.
- ઇનવૉલન્ટરી એક્ટિવ યુથેનેશિયા - મૃત્યુની મંજૂરી આપવા દર્દી અસમર્થ હોય ત્યારે તેને મારવા જાણી જોઈને દવાઓ આપવી.
- પેસિવ યુથેનેશિયા - દર્દીના મૃત્યુ માટે સારવાર બંધ કરવી અથવા લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવી.
- એક્ટિવ યુથેનેશિયા - એવી દવા આપવી જેથી દર્દીને રાહત મળે, પરંતુ પાછળથી મોત થઈ જાય.
- આસિસ્ટેડ સુસાઇડ - સંમતીના આધારે ડૉક્ટર દર્દીને એવી દવા આપે છે જે લઈને આત્મહત્યા કરી શકાય છે.
લિવિંગ વિલ
આ એક લેખિત દસ્તાવેજ હશે, જેમાં સંબંધિત વ્યક્તિ જણાવશે કે તે અસાધ્ય રોગમાં એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે તેની સારવાર શક્ય નથી, તેને બળજબરીથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં ના આવે. કોમાના કેસમાં આ દસ્તાવેજ પર નિર્ણય લેવાનો અધિકાર દર્દીના પરિવારજનો અથવા મિત્રોને રહેશે. તેમના નિર્ણય પર મંજૂરી મેડિકલ બોર્ડ નક્કી કરશે.
પોતાનો ઈલાજ કરવો કે ના કરવો તે દરેક વ્યક્તિનો અંગત અધિકાર છે.
લિવિંગવિલ જિલ્લા મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવાનું રહેશે. તે રજૂ કરતી વખતે બે સ્વતંત્ર સાક્ષી હોવા જરૂરી છે.
સુપ્રિમકોર્ટની ગાઈડલાઇન
- મેડિકલ બોર્ડનું ગઠન કરવામાં આવે.
- જો લિવિંગ વિલ ના હોય તો દર્દીના સંબંધી કોર્ટમાં જઈ શકે છે.
- મેડિકલ બોર્ડના આધાર પર ન્યાયાલયનો ફેસલો માન્ય ગણાશે.
- મેડિકલ બોર્ડ નક્કી કરશે કે ઈલાજ સંભવ છે કે નહીં.
- નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મેડિકલ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
0 ટિપ્પણીઓ